સ્વામી રામ તીર્થ (૧૮૭૩ - ૧૯૦૬) તે વેદાંતને (શાસ્ત્રોને) જીવી જાણનારા વ્યક્તિત્વ હતા. અમેરીકામાં સ્વામી વિવેકાનંદ પછી વેદાંતનું જ્ઞાન પીરસનારા ઉપદેશકોમાંના તેઓ એક હતા. તેમણે જાપાનમાં પણ પોતાની જ્ઞાનવાણીનો લાભ પીરસ્યો છે. તેમણે આ ધરા પર ફક્ત 33 વર્ષ જ પસાર કર્યા, પરંતુ પોતાની પ્રેરણાત્મક વાણી અને વ્યાવહારિક વેદાંતના સિદ્ધાંતો માનવજાતને ભેટ આપતા ગયા.
વર્ષ ૧૯૦ માં સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) ખાતે આપેલા તેમના વ્યાખ્યાનમાં સફળતા મેળવવા
માટેના સાત સિદ્ધાંતો ઉજાગર કરવામાં આવ્યા, જેમાનો એક સિદ્ધાંત
આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું.
આ સિદ્ધાંત છે, અવિરત શ્રમ અથવા અવિરત
કાર્ય
કાર્ય અથવા શ્રમ શું છે? વેદાંત અનુસાર
તીવ્ર કાર્ય અથવા શ્રમ એટલે સંપૂર્ણ આરામની સ્થિતી. આ વાક્ય વિરોધાભાસી જરૂર પ્રતીત
થાય છે, પરંતુ આ એક સત્ય છે. જ્યારે કોઈ કર્મશીલ પુરુષ કોઈ કાર્યમાં સંપૂર્ણ
રીતે ભળી જાય છે, ત્યારે તે
વ્યક્તિનું ધ્યાનથી અવલોકન કરજો. બહારથી
અન્ય લોકોની નજરમાં તો તે કદાચ સખત પ્રયત્નોમાં રોકાયેલ છે, પરંતુ તે વ્યક્તિ પોતાની દ્રષ્ટિથી તો કંઈ કરતો જ નથી. જેમ દૂરના નિરીક્ષકોની નજરમાં મેઘધનુષ્ય સુંદર
રંગો ધરાવે છે, પરંતુ જો તેને સ્થળ પર જઈને
ચકાસીએ, તો ત્યાં કોઈપણ પ્રકારનાં રંગો હાજર હોતા જ નથી.
યુદ્ધનો લડવૈયો જ્યારે પોતાની શ્રેષ્ઠ શક્તિથી લડતો હોય, ત્યારે તેને જુઓ. હકીકતમાં તેનું શરીર આપમેળે
કાર્ય કરતું હોય છે, મન કાર્યમાં એટલી
હદે ડૂબી જાય છે કે "હું કાર્ય કરી રહ્યો છું" તેવી ભાવના જ સંપૂર્ણ
રીતે ભૂલી જવાય છે. કાર્યમાં આનંદ અનુભવતો
નાનો અહંકાર એકદમ ખોવાઈ જાય છે. આ અવિરત કાર્ય અજાણતાં જ તેને ઉચ્ચતમ યોગ તરફ દોરી
જાય છે. અને આ જ છે ગીતમાં આપેલ સારરૂપી એક સિદ્દાંત.
વેદો - ઉપનિષદો કહે છે કે તમે તીવ્ર પરિશ્રમ દ્વારા નાના અહમથી ઉપર ઉઠો. શરીર
અને મનને કાર્ય કરવાની એ પરાકાષ્ઠાએ પહોંચાડો કે, તમને કર્તાપણાનો
અનુભવ જ ના થાય. જ્યારે કોઈ કવિને "હું કવિતા લખું છું" તેવો વિચાર હોય
ત્યારે તે કવિતા લખી શકતો નથી, પરંતુ જેવો તે આ
વિચારથી ઉપર ઊઠે છે, તેવું જ તેને કવિતા લખવાની પ્રેરણા મળે છે અને પોતાના
વિચારોને તે કાગળ પર ઉતારે છે. ગણિતમાં મુશ્કેલ કોયડાઓ હલ કરતી વ્યક્તિને પૂછીએ તો
તે કહેશે કે કોયડાઓ ત્યારે જ હલ થાય છે જ્યારે "હું આ કાર્ય કરી રહ્યો
છું" નો વિચાર સંપૂર્ણપણે ગેરહાજર હોય. મનુષ્ય જેટલા
નાના અહમ અંકુશમાં લાવી શકે છે, તેટલા જ ભવ્ય
કાર્યો તેનામાંથી બહાર આવે છે.
જ્યારે કોઈ વૈજ્ઞાનિક, કવિ, તત્વજ્ઞાની અથવા કોઈપણ કર્મશીલ પોતાના કાર્યમાં પૂર્ણ
સમર્પિત થઈ જાય, કાર્ય સાથે જાણે એક થઈ
જાય છે અને તેના કર્તાપણાનું ભાન ભૂલી જાય છે, તે જ તે વ્યક્તિ માટે સાચી સિદ્ધિ કહેવાય છે, યોગ કહેવાય છે, અને ફક્ત ત્યારે અને ત્યારે જ ઈશ્વર તેનામાથી શ્રેષ્ઠ કાર્યો બહાર પડાવે
છે. લોકો કહે છે,
"ઓહ, તેની પ્રેરણા ઉચ્ચ સ્તરે છે!" પરંતુ તેની
દ્રષ્ટિથી તો તેનામાં કોઈ કર્તાપણું જ નથી કે કર્મફળનો આનંદ ઉઠાવવા કોઈ અહમ જ નથી
હોતો. આમ અજાણતાં વ્યવહારમાં મૂકવામાં આવતા વેદો – ઉપનિષદોના સિદ્ધાંતોથી બધી
સફળતા વહે છે. કોઈ પણ સફળ વ્યક્તિના જીવનમાં આપણે આ જોઈ શકીએ છે કે એકાગ્રતાથી એ
વ્યક્તિ કાર્યમાં એવો ડૂબી જાય છે કે ફક્ત શ્રેષ્ઠ જ પરિણામો બહાર આવે છે.
આવું કાર્ય શું છે તે દીવાના દ્રષ્ટાંત દ્વારા સમજીએ. દીવામાંથી નીકળતો
પ્રકાશ ખૂબ જ સુંદર, તેજસ્વી અને પ્રકાશ
પાથરનારો હોય છે. તે કયો ગુણ છે જે દીવાને આટલો તેજસ્વી બનાવે છે? જવાબ છે સતત કર્મશીલ બનીને અહંકારને નકારી રહેલ તેના દિવેટ
અને તેલ. દિવેટ અને તેલ વિના દીવો પ્રકાશ નહીં
પાથરી શકે. શાસ્ત્રો પણ આ જ ઉપદેશ આપે છે. જો તમારે સફળતા જોઈતી હશે અથવા સમૃદ્ધિ જોઈતી હોય તો તમારા શરીર અને સ્નાયુઓને કર્મ રૂપી અગ્નિમાં ઓગળી
નાખો. કાર્યમાં સંપૂર્ણ એકાગ્રતાથી ભળી જાઓ અને
કાર્ય સાથે જ એક બની જાઓ અને આ રીતે આ અગ્નિમાં અહંકારને બાળશો ત્યારે જ
તમે તમારી આસપાસ પ્રકાશ પાથરી શકશો.
આમ બધી જ પ્રકારની સમૃદ્ધિ અને સફળતા શાસ્ત્રોના આ સિદ્ધાંતોને વ્યવહારમાં
જીવવાથી મળે છે. અવિરત કાર્ય, અવિરત શ્રમ એ
વિશ્વના કોટિ કોટિ જન માટે સૌથી શ્રેષ્ઠ યોગ છે.
Comments
Post a Comment