આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્વામી રામતીર્થ દ્વારા શીખવવામાં આવેલ સફળતાના સિદ્ધાંતોની. પહેલો સિદ્ધાંત આપણે અગાઉ જોયો જેમાં આપણે અવિરત શ્રમ અથવા કાર્ય, એટલે કે જેમાં આપણે કર્તાભાવ અને કર્મફલ અપેક્ષા ત્યજીને ફક્ત કર્મ ખાતર જ કર્મ કરવાનું શીખ્યું.
બીજો સિદ્ધાંત છે સ્વાર્થ ત્યાગનો અથવા સમર્પણનો.
એક વખત તળાવ અને નદી વચ્ચે ઝઘડો થયો. તળાવે નદીને કહ્યું:
"હે નદી, તું સાવ મૂર્ખ છું. તું તારું બધું જ પાણી સમુદ્રમાં વહાવી દે છે;
તારું પાણી તું તે સમુદ્રમાં વેડફીશ નહીં. સમુદ્રને તારા પાણીની ખરેખર કોઈ જરૂર જ નથી. તું ગમે તેટલું તારું મીઠુ પાણી સમુદ્રમાં વહાવીશ, પણ સમુદ્ર તો ખારો ને ખારો જ રહેશે. આથી તારી આ સંપત્તિ તારી પાસે જ રાખ. તળાવ દ્વારા કરવામાં આવેલ આ આપણે બહારની દુનિયામાં જોઈએ તેવું જ શાણપણ છે. અહીં નદીને પરિણામની વિચારણા કરવાનું જણાવવામાં આવે છે.
પણ નદી તો વેદાંતના નિયમો અનુસરે છે. આ દુન્યવી શાણપણ સાંભળ્યા પછી નદીએ જવાબ આપ્યો,
"ના, પરિણામનું મારી સમક્ષ કોઈ જ મૂલ્ય નથી,
નિષ્ફળતા અને સફળતા મને કોઈ અસર કરતી નથી. મને તો કર્મ કરવામાં જ રસ છે. પ્રવૃત્તિ એ જ મારું જીવન અને કર્મ એ જ મારૂ લક્ષ્ય. આમ નદી કાર્ય કરતી ગઈ, અને સમુદ્રમાં લાખો લીટર પાણી પર વહેડાવતી જ ગઈ.
આના પરિણામ સ્વરૂપ તળાવ ત્રણ કે ચાર મહિનામાં જ સુકાઈ ગયું. તે ગંદકીથી ભરાઈ ગયું. પરંતુ નદી તો તાજી અને શુદ્ધ રહી,
તેના બારમાસી ઝરણા સુકાતા ન હતા. નદીને અવિરત પ્રવાહિત રાખવા માટે વાદળો દ્વારા સમુદ્રની સપાટીથી પાણી લેવામાં આવતું હતું અને તેને વરસાદ રૂપે વહાવી નદીના સ્ત્રોતને હંમેશ માટે ભરપૂર રાખવામાં આવતા.
બસ,
તેથી વેદાંત કહે છે કે તળાવની આ સ્વાર્થ ભરી નીતિને અનુસરવાની જરૂર નથી. "મારું શું થશે?" તે નાનો સ્વાર્થી તળાવ છે જે પરિણામની કાળજી રાખે છે. કર્મ તો ફક્ત કર્મ ખાતર જ થવું જોઈએ. તમારું કાર્ય જ તમારું લક્ષ્ય હોવું જોઈએ. આ રીતે વેદાંત તમને ચિત્તભ્રષ્ટ અને ચિંતા કરવાની વૃત્તિઓથી મુક્ત કરે છે. પરિણામની ચિંતા ન કરો,
લોકો પાસેથી કશું જ અપેક્ષા ન કરો, તમારા કાર્યની અનુકૂળ સમીક્ષાઓ અથવા તેના પર સખત ટીકા વિશે ચિંતા ન કરો. જંગલના સિંહની જેમ આ સંસારમાં રહો અને જુઓ તમારું કાર્ય કેટલું ભવ્ય બને છે.
લોકો કહે છે,
"પહેલા લાયક બનો અને પછી ઇચ્છા રાખો" વેદાંત કહે છે,
"ફક્ત લાયક બનો, ઇચ્છા કરવાની કોઈ જરૂર નથી." એક પથ્થર જે દિવાલમાં ફિટ થવા માટે યોગ્ય છે તે ક્યારેય રસ્તામાં મળશે નહીં. જો તમે લાયક હશો,
તો બધું જ તમારી પાસે આવી પહોંચશે. જો ફૂલ ઉગશે, તો મધમાખી આપમેળે ત્યાં આવીને બેસશે. તેને આમંત્રણ આપવાની જરૂર નહીં પડે. જ્યારે ચંદ્ર ઉગશે,
તો લોકો ચંદ્રપ્રકાશનો આનંદ માણવા માટે જાતે જ ઘરની બહાર ખેંચાઈ આવશે.
ફક્ત શ્રમ,
શ્રમ અને શ્રમ. આ રીતે શરીરનું ભાન ભૂલીને પરમતત્વની અનુભૂતિ કરો, સચ્ચિદાનંદ અથવા પરમાનંદનો લાભ લો. જ્યારે તમે આ રીતે શરીરના અહંકારને પરિશ્રમના ક્રોસ (વધસ્તંભ)પર ઉભા રાખો છો,
ત્યારે સફળતા તમને શોધતી આવશે અને તમારી પ્રશંસા કરવા વાળા લોકોની અછત નહીં હોય. જીસસ જીવિત હતા, ત્યાં સુધી લોકો તેમને સ્વીકારતા ન હતા;
પરંતુ તેમનું જ્યારે દેહ દમન કરીને ક્રોસ પર ચઢાવી દેવામાં આવ્યા ત્યારે તેમની પૂજા થવા લાગી. કોઈ પણ બીજ તેના મૂળ સ્વરૂપ અને બાહરી દેખાવનો નાશ સહન કર્યા વિના છોડમાં પરિણમી ના શકે. આથી સફળતા માટેનો બીજો આવશ્યક સિદ્ધાંત છે સ્વાર્થ ત્યાગ અથવા બલિદાન.
દરેક વ્યક્તિ ઉજ્જવલ અને તેજસ્વી બનવા માંગે છે. તે કેવી રીતે ભવ્ય બની શકે છે?
વિજ્ઞાન સમજાવે છે કે સફેદ રંગ પ્રાપ્ત કરવાનું રહસ્ય પણ ત્યાગ જ છે. વિજ્ઞાન કહે છે કે સૂર્યના કિરણોમાંથી નીકળતા સાત રંગો વિવિધ પદાર્થો પર પડે છે. કેટલાક પદાર્થો આમાંના મોટાભાગના રંગોને શોષી લે છે અને ફક્ત એક જ રંગને પ્રતિબિંબિત કરે છે, અસ્વીકાર કરે છે. જે રંગનો અસ્વીકાર થાય છે અથવા પ્રતિબિંબિત થાય છે તે વસ્તુ તે રંગની દેખાય છે. ગુલાબ ગુલાબી રંગ સ્વીકારતું નથી પરંતુ તેને પાછો ફેંકે છે અને આપણને તે ગુલાબી દેખાય છે. આમ જે વસ્તુ જે રંગ પોતે રાખતું નથી,
આપણને તે તે રંગમાં દેખાય છે. કેટલું અદભુત! કાળા પદાર્થો સૂર્યની કિરણોના તમામ રંગોને શોષી લે છે. તે કાંઈ પણ ત્યાગ કરતુ નથી અને તેથી તે કાળા રંગનું દેખાય છે. આથી વિરુદ્ધ, સફેદ પદાર્થો કંઈપણ રંગ શોષતા નથી,
તેઓ સર્વે રંગનો ત્યાગ કરે છે. તેથી તે સફેદ લાગે છે, તેજસ્વી લાગે છે.
Comments
Post a Comment